૪૬ની પૂણ્યતિથિ મહોત્સવ નિમિત્તે દિવસભર ધાર્મિક કાર્યક્રમ યોજાશે બગદાણાખાતે બજરંગદાસબાપાની પૂણ્યતિથિ મહોત્સવ બાપાની રંગદર્શી નગરયાત્રા સવારે ૧૦ કલાકે બગદાણામા નિકળશે
લાખો આસ્થાળુંજનોના શ્રદ્ધાના કેન્દ્ર સમાન સદગુરુદેવ બજરંગદાસ બાપાના ધામ બગદાણા ખાતે બાપાની ૪૬ની પુણ્યતિથિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવાની તડામાર તૈયારીઓ થઈ રહી છે. પ્રતિ વર્ષની જેમ પોષ વદી ચોથના રોજ બજરંગદાસ બાપાની પુણ્યતિથિ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે તા. ૧૧/૧ ને બુધવારના રોજ ૪૬ મી પુણ્યતિથિ મહોત્સવ ઉજવવાનું ભવ્ય આયોજન થયું છે. ગુરુઆશ્રમથી આ દિવસના ઘોષિત થયેલા કાર્યક્રમ મુજબ વહેલી સવારથી ધાર્મિક વિધિ સાથેના કાર્યક્રમો શરૂ થશે. જેમાં મંગળા આરતી સવારે ૫ થી ૫:૩૦ કલાકે, ધ્વજા પૂજન સવારે ૭:૩૦ થી ૮:૧૫ કલાકે, ધ્વજા રોહન સવારે ૮:૧૫ થી ૮:૩૦ કલાક, તેમજ મહિમાપૂર્ણ ગુરુપૂજન સવારે ૮:૩૦ થી ૯:૩૦ કલાકે,રાજભોગ આરતી સવારે ૯:૩૦ કલાકે તેમજ પૂજ્ય બાપાની રંગદર્શી નગરયાત્રા સવારે ૧૦ કલાકે શરૂ થઈને આખા બગદાણા ગામમાં ફરશે. તેમજ બાદમાં પ્રસાદ-ભોજન વિતરણ સવારના ૧૦ કલાકથી સતત શરૂ રહેશે,
👉એસટી વિભાગ દ્વારા પણ ખાસ બસો દોડાવાશે
એસટી વિભાગ દ્વારા પણ ખાસ બસો દોડાવવામાં આવનાર છે. એસટી વિભાગ દ્વારા જરૂરિયાત મુજબ ભાવનગર તેમજ તળાજા,પાલીતાણા, મહુવા વગેરે ડેપો માંથી ખાસ એસટી બસો આ માટે દોડાવવામાં આવશે.આકસ્મિક સંજોગો માટે ૧૦૮ એમ્બ્યુલન્સ તેમજ એક ફાયર ફાઈટર પણ સ્ટેન્ડ બાય રહેશે. આ ઉપરાંત અહીં રક્તદાન કેમ્પ નું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બેલમપરઅને બગદાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પ્રાથમિક સારવાર ની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે.
👉વાહન પાકિગ માટે પણ અલાયદી વ્યવસ્થા
દર વર્ષની જેમ વાહન પાર્કિંગ માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. મહુવા તરફથી આવતા વાહનો માટે પોલીસ સ્ટેશનની બાજુમાં તેમજ તળાજા પાલીતાણા તરફથી આવતા વાહનો માટે ભગુડા ચોકડી બાજુ વાહન પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
👉પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત
બાપાની આ પુણ્યતિથિ મહોત્સવમાં મોટી સંખ્યામાં માનવ સમુદાય ઉપસ્થિત રહેવાનો હોય અહીં સર્વ ટ્રસ્ટી મંડળની દેખરેખ હેઠળ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. દર્શન વિભાગ, ચા-પાણી, ગોપાલગ્રામ ભોજનાલય (ભાઈઓ માટે), નવા ભોજનાલય (બહેનો માટે ), પાર્કિંગ, સુરક્ષાવગેરે વિભાગોમાં સેકડો સ્વયંસેવક ભાઈઓ બહેનો સેવા બજાવશે. બાપાની પુણ્યતિથિ મહોત્સવ નિમિત્તે આ દિવસે ગુરુઆશ્રમ બગદાણા દ્વારા દર્શનાર્થે આવતા વિકલાંગ તેમજ અશક્ત લોકો માટે બંને પાર્કિંગથી ગુરુ આશ્રમ સુધી પહોંચવા માટે ખાસ વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે.
👉બાપા બજરંગદાસ જીવન
બજરંગદાસ બાપાનું મુળ કુટુંબ રાજસ્થાનથી હતું. મુળથી એ રામાનંદી સાધુ અને ભાવનગર જિલ્લામાં વર્ષોથી સ્થાયી થયા હતા. ૧૯૦૬માં (ચોક્કસ તારીખ ની માહિતી નથી) ઝાંઝરીયા હનુમાન મંદિરમાં ગામ અધેવાડામાં ભકિતરામ તરીકે માતા શિવકુંવરબાના ખોળામાં તેમનો જન્મ થયો. એમના પિતાજીનું નામ હરીદાસબાપુ હતું. ભકિતરામ ૧૧ વર્ષની નાની વયે સાધુઓના સંપર્કમાં આવ્યા. અયોધ્યામાં તેમની મુલાકાત તેમના ગુરૂ સીતારામ બાપુ સાથે થઈ. તેઓ તેમના શિષ્ય બન્યા.
તેમના કેટલાક પ્રસિદ્ધ પરચા છે. જેમકે, એક વાર જ્યારે બાપા બજરંગદાસ ઊનાળાના સમયમાં મુંબઈમાં સાધુ ની જમાત જોડે હતી. ત્યારે સાધુ ની જમાતે પાણી પીવાની ઈચ્છા વ્યકત કરી ત્યાં પીવાના પાણીની ખૂબ અછત હતી. ગુરૂજીએ બાપાને પાણીની વ્યવસ્થા કરવાનું કહ્યું. ગુરુજીની આજ્ઞા માની ને બાપા બજરંગદાસ એ ત્યાં મુંબઈ માં દરીયાકીનારે એક ડાર બનાવ્યો, (દરીયાની રેતી માં હાથ થી ખાડો ખોદી ને પાણી કાઢવુ તે) અને એ ડાર માં થી મીઠુ પાણી નીકળ્યુ. ઔરંગાબાદમાં તેમણે એક બાળકને તેના ઘરની અગાસી પરથી નીચે પડી ગયેલ અને બાપાએ તેને તેડી ને બચાવી લીધેલ. એક વાર જયારે બાપા તેમના ગુરુ અને તેમની સાધુ જમાત જોડે જંગલમાંથી પસાર થતા હતા ત્યારે સિંહોનું ટોળું રસ્તામાં મળેલ અને બાપા એ તેમને સીતારામ નામ નો મંત્ર કર્યો અને તેમના રસ્તા પરથી ટોળાને હટી જવા આદેશ આપ્યો અને સાધુની જમાત આગળ વધી.
તેઓ સૂરત (લક્ષ્મીનારાયણ મંદિર), હાનોલ (રણજીત હનુમાનજી), ભાવનગર, પાલિતાણા, જેસર વગેરે જગ્યાઓ એ ફરતા અને સેવા કરતા કાલમોદર પહોંચ્યા. અહીં તેમણે સપ્તાહ કરી અને ત્રણ વર્ષ અહીં રહ્યા. બાપા ત્યારપછી બગદાણા આવ્યા અને અહીં સ્થાયી થયા.
બગદાણાનો ગુરૂ આશ્રમ તેમના શ્રદ્ધાળુઓ માટે યાત્રાધામ છે. બાપા સીતારામ ની મઢૂલીઓ સૌરાષ્ટ્રના કેટલાય ગામોમાં આવેલી છે.